મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
ગયેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

ન માંગુ તમારી અમોલી ક્ષણોને,
ભરેલી કો’ પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનું ભાથું,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ઊર્મિ

સ્વર : અમન લેખડિયા
સ્વરાંકન : મેહુલ સુરતી