લોક કહે ડુંગર પર ઊગ્યા છે ઝાડ
મારે ઝાડવામાં ડુંગર રમમાણ છે

આખોયે દેશ સાવ વાદળ થઈ જાય
એવા નકરા જાદુનું આ કામ છે

કાળ – જૂના પથ્થરમાં ઊભી તિરાડ સમી
આકરી વ્યથામાં સહેજ જોવું

અંદર છે ઝરણાંને રણઝણતું રાખવાને
આખાયે જંગલનું હોવું

ક્યાંક કોઈક કોળે તો એક વાત જાણીએ
કે જંગલ તો ઉગવા નું જ્ઞાન છે

મહુડા કે સાગડામાં આથમતા સૂરજથી
જંગલ ની વાર્તાઓ થાય નહીં

રંગ રુપ ગંધ સ્વાદ શબ્દ ઢોલ થાપ વિના
જંગલ ના ગીતો ગવાય નહીં

જંગલ તો હાથ મૂકો છાતીએ ને સાંભળી લો
એવા થડકારાનું નામ છે

-ધૃવ ભટ્ટ

સ્વર : સુપર્ણા બેનર્જી દાસ
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય