સાયબો મારો રતુંબડો ગુલાબ રે, જુનાગઢ શહેરની બજારમાં
એની આંખનો ઉલાળો, એના છોગલીયાનો ચાળો
કરતો રે કરતો ઓળઘોળ રે, જુનાગઢ શહેરની બજારમાં

ચસચસતું કેડિયુંને ચમચમતી મોજડી, હોય રે આંજેલ રૂડી આંખડી
નજર્યુંમાં ભરતો એવો કેફ રે કસુંબલ, એની જોઇને ખીલ્યું રે ફૂલ પાંખડી
એને ધસમસતો વારો, એના તનડા ઓવારો,
જાણે લીલુડો ઉગ્યો કોઈ થોર રે, જુનાગઢ શહેરની બજારમાં

મનનો માણીગર મારો શીદને ખોવાયો, ભમતો ભાતીગળ જો ને ક્યાં રે સમાયો
ફાટ પડી હૈયામાં થરથરતી કાયા, સખી મારી કહેને એ ક્યાં રે સંતાયો
ઓલ્યો કેસરી શરમાયો , જાણે જશોદાનો જાયો
હું તો થઈ ગઈ રે રાતીચોળ રે જુનાગઢ શહેરની બજારમાં

-તુષાર શુક્લ

સ્વર : સ્મિતા શાહ
સ્વરાંકન : નયનેશ જાની