કોઈ પણ કારણ હશે તો ચાલશે !
સાવ સુક્કું રણ હસે તો ચાલશે !

આ હ્રદયના બારસાખે મૂકવા;
આંસુનું તોરણ હશે તો ચાલશે !

રંગની મારે કશી પરવા નથી;
એકલો ફાગણ હશે તો ચાલશે !

સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ;
આંખમાં શ્રાવણ હશે તો ચાલશે !

તું યુગોની જિંદગી જીવે ભલે;
પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે !

ભરત ભટ્ટ ‘તરલ’