બહાર હું નીકળ્યો અને એની ફિકર લાગી મને,
મારી મંઝિલ ત્યારથી બસ મારું ઘર લાગી મને.

જો કે તારા સ્મિતની જેવી સહર લાગી મને,
કિન્તુ મારી રાતથી એ બેખબર લાગી મને,

આંખ મળતાં પ્રેમમાં આવી દશા થઈ જાય કંઈ?
એમ લાગે છે કે કોઈની નજર લાગી મને..

એ અનુભવ માટે મારે શી છે મરવાની જરૂર ?’
જીવતાં પણ સૃષ્ટિ આ મારા વગર લાગી મને.

હું વિખૂટો થઈને પણ તારી જ સંગાથે હતો.
મારા ખુદમાં પણ સતત મારી કસર લાગી મને.

બસ પ્રતીક્ષામાં સતત ઊભા જ રહેવાનું હતું,
પ્રેમ પંથે એ જ તો કપરી સફર લાગી મને.

હું ય જીવું છું વસંત ! એમ જ હસીને જિંદગી
વે ય ફૂલોથી સજેલી પાનખર લાગી મને.

એટલા ઝડપી રીતે એના દિવસ વીતી ગયા,
જિન્દગી પોતે જ આખી એક સબર લાગી મને.

મારી સારપ શું હવે આથી વધુ સાબિત કરુ ?
કઈ એ નિંદા કરી એ પણ કદર લાગી મને.

મે પ્રસાર્યા હાથ પડતીમાં ફક્ત એના તરફ,
એક ખુદાની જાત બસ સૌથી ઉપર લાગી મને.

એ જ તો મારા હૃદયના ઘાવ થઈ ગઈ છે હવે,
એક વખતે જે તારી આંખોની ટસર લાગી મને.

મનને મારીને જગતમાં જયારથી જીવવું પડયું,
ત્યારથી કાયા જ ખુદ મારી કબર લાગી મને.

મોત મેં બેફામ માગ્યું કે મને મળશે કદી.
એ દુઆ એવી હતી જેમાં અસર લાગી મને.

-બરકત વીરાણી ‘બેફામ’

સ્વર : રૂપકુમાર રાઠોડ