બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?
કાલ સુધી તું લાગણીઓને પીંછાં પીંછાં કહેતી
એ પીંછાંઓમાંથી મોર થયો કે નહીં?

આછેરો સુણીને પગરવ ધડકી ઊઠતા હૈયાની
તું વાત માનવા હોય ભલે ના રાજી
ઢળતા સૂરજ સાથે તારી આંખોના મધુવનમાં
જોને મહેક લઈને ઊગી ઊઠે વનરાજી
પડી ભાંગતી મિલન તણી જો આશ, હૃદયની ચારેપા
ભીનાશ
સમય બપોર થયો કે નહીં… બોલ..

સ્મિત તણાં પારેવાં તું ઉડાવે એને
આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
અને કોઈ ગમતાંની સાથે સીવી લેતી હોઠ
શબદ તો જાણે બધ્ધા હોઠ અને તું નામ ઘૂંટે મન માંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે
એ છોને મનગમતો પણ ચોર થયો કે નહીં… બોલ..

-મુકેશ જોશી

સ્વર : આકાશવાણી ગાયક વૃંદ