સાંજ ઢળે ને સૂના મનને યાદ આવતું ઘર
બારણે ચિતર્યાં શુભલાભ શી આંખો બે સુંદર

સાંજ ઢળે ને પાછા વળતાં પંખી એને માળે
માળો ના ગુથ્યો એવા બેઠા એકલ ડાળે
હું ય અહીં બેઠો છું એકલો આવી સાગર પાળે
ખડક ભીંજવે મોજા જાણે વ્હાલ ભર્યું પંપાળે
વગર અષાઢે આંખથી વરસે આંસુ આ ઝરમર

સૂરજ જેવો સૂરજ કેવો ક્ષિતિજે જઈ સમાતો
મા ના પાલવ પાછળ જાણે બાળક કોઈ લપાતો
વાતો કરતાં થાકતો નહીં એ પણ મૂંગો થઇ જાતો
યાદ બનીને કોઈ મીઠી વાયુ ધીમે વાતો
વૃક્ષ તણા પર્ણો ની કેવળ સંભળાતી મર્મર

કેમ થતું નહીં મનને આવું ઉગતી મધુર સવારે
બપોરની વેળાએ પણ ના થાતી પાપણ ભારે
સપના શોધતી આંખો થાકે રાત તણે અંધારે
કેમ થતું મન ઉદાસ આવું સંધ્યા ઢળતી જ્યારે
આમ નિરુત્તર મન જાણે છે “ઘર એનો ઉત્તર”

-તુષાર શુક્લ

સ્વરઃ નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ