ફરી દૃશ્ય, દૃષ્ટિ દિશાઓ બદલશે,
ફરી નૈન નમણાં નજારા નિરખશે!

ફરી એક જૂની વસાહત મળી છે
ફરી થોડાં ઇચ્છાના કંકાલ જડશે.

ફરી એક અજંપાનો સૂરજ ઉગ્યો છે
ફરી સાંજ ઢળતાં સુધી શ્વાસ તપશે!

ફરી જૂઠની વાટે નીકળી પડાયું
ફરી નવ્ય સત્યોનો રસ્તો ઉઘડશે !

ફરીથી હું પિંજરમાં મોહી પડી છું
ફરી મારી ઉડવાની ઈચ્છા રઝળશે!

-શબનમ

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ