હે, વ્યથા ! હે, વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. – હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા !

– શેખાદમ આબુવાલા

સ્વર : હરિહરન
સ્વરાંકન :અજીત શેઠ