માધવ હું તમારી મીરાં
ઓળખ માટે ઘૂંઘરું આપું
દઇ દઉં નયન અધીરાં

ઝેર પીધું તે ઓછું છે કે
હવે જુઓ છો ત્રાસું
આંખોમાં તો જુઓ ક્યારનું
ડળક ડળક ચોમાસું
એકવાર તો મળી જાઓ ને
યમુનાજીને તીરાં

મોરપીંછ નો મંડપ બાંધી
લગન કર્યા’તા શ્યામ
સાવ અજાણ્યા થઇ ને આજે
પૂછો કાં મારું નામ !
આમ પૂછીને તમે જ આપણાં
તોડીયાં રે મંદિરાં

– સુરેશ દલાલ

સ્વર : પ્રગતિ વોરા
સ્વરાંકન : રાજેશ પઢારિયા