પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂવે,
જુએ આખો વગડો ને વન,
તોય એનાં આંસુંડા કોઈ ના લૂવે.

એક એક પાંદડે સૂરજ ને ચંદરનાં
રમતાં’તાં તેજ અને છાયા;
લીલા અનોખી ને ઠાઠ રે અનોખો
એની વળગી’તી લીલુડી માયા.
એની માયાના મોલ મૂંગા મૂરઝાતા જાય
ને ભીતરનું ભાનસાન ખૂવે.

પાંદડું ખર્યું ને..

પીળું ખરે એનો હોય નહીં રંજ
આતો કૂંપળને આંબી ગઈ આંધી
કુણેરા કોડ એના કાળમુખી વાયરે
અધરાતે લીધા રે બાંધી
એનાં અથરા રે પ્રાણ આજ પીંખાતા જાય

જાણે ઊડી નવાણ ગયા કૂવે

પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂવે

-ભાસ્કર વોરા

સ્વર :આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ