જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.

પંખીના ટહુકાથી મારા જાગી ઉઠ્યા કાન,
આંખોમાંતો સુર કિરણનું રમતું રહે તોફાન.
તમે મારા શ્વાસ શ્વાસમાં થઇ વાંસળી વાગો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.

ગઈ રાત તો વીતી ગઈ ને સવારની આ સુષ્મા,
વહેતી રહે છે હવા એમાં ભળી તમારી ઉષ્મા.
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં અળગો આઘો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.

-સુરેશ દલાલ

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ