ના બોલાય રે ના બેલાય રે
એક અમી ભરપુર ઉરે તવ
સોમલ કેમ ઘોળાયરે…..ના બોલાય

તારે હાથે પ્રિય મેં જ ધર્યો હતો
મેંદીએ રંગીન હાથ
અંગથી અંગ અડાડી ભર્યા નીલ
કુંજ મહીં ડગ સાથ
રંગ સુગંધની સોડ તણી અવ
વાત એ કેમ ખોલાયરે… ના બોલાય

સ્હેજ અડે મૃદુ આંગળી ત્યાં
રણકે મધુરો ઝણકાર
એજ વીણા તણી તાંત તૂટી
બનિયો મૂકે રે અવતાર
વાણી મહીં નહીં આંસુ મહીં નહીં
ઠાલવું અંતર આગ
આગની સંગ ઉમંગ ભર્યો લહું
જીવનનો અનુરાગ
પ્રેમ પિયા ! તવ પૂજન ફૂલ શો
આંચમાં કેમ રોળાયરે… ના બોલાય

-રાજેન્દ્ર શાહ

સ્વર : અલકા યાજ્ઞિક
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

સૌજન્ય : માલવ દિવેટિયા