પૂછી જુઓ આ જાતને કે ક્યાં જઇ રહ્યા?
કોના ઇશારે આપણે આગળ વધી રહ્યા?

જન્મોજનમના કોલ તને દઇને શું કરું?
જ્યાં એક ભવના વાયદા ખોટા પડી રહ્યા !

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,
રોઇ શકાય એટલા આંસુ નથી રહ્યા.

હોવા છતાં જબાન કશું બોલતા નથી,
ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

ભૂલી ગયા કે બ્રહ્મ તણા અંશ છો તમે,
ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યા !

-કિરણસિંહ ચૌહાણ

સ્વર : શૌનક પંડ્યા

સ્વરાંકન : શૌનક પંડ્યા

સૌજન્ય : સંજય રાઠોડ, સુરત