કાયાની કટોરી મારી અમૃત ભરેલી રામ અમૃત ભરેલી.
કિયે રે ડુંગરથી એની માટિયું ખોદિયું
ને કિયે રે પાણીએ પલાળી રામ
અમૃત ભરેલી

કિયે રે પગથી એનાં કાદવ કચરાણાં ને
કિયે રે ચાકડે ઉતારી રામ ?
અમૃત ભરેલી

કિયે રે હાથે એનાં ઘાટ ઘડાયાં ને
કિયે ૨ ટીપણે ટીપાણી રામ?
અમૃત ભરેલી

કિયે રે વાયુએ એની આગ્યું રે ફૂકિયું ને
કિયે રે નિંભાડે ઈ ઓરાણી રામ
અમૃત ભરેલી

કિયે રે સમદરથી લીધાં અમરતના બિંદુડાને
કઈ રે ઝારીએ સીંચાણી રામ
અમૃત ભરેલી

-બાદરાયણ

 

સ્વરઃ રાસબિહારી દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટીઆ