ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી
ગોફણ છે ગોફણ છે ગોફણ છે…
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું
તો પણ છે તો પણ છે તો પણ છે….

આંખો તો ‘મનદુઃખ’ના મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખા ચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું
ધોબણ છે ધોબણ છે ધોબણ છે…

આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું
તો પણ છે તો પણ છે તો પણ છે…

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતા
મારાં બધીર સાવ ટેરવાં?
વીંટી જો હોય તો એ પહેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પહેરવા?
આટલીક વાત જાણી આંગળીએ ત્યારથી
એ જોગણ છે જોગણ છે જોગણ છે,

આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું
તો પણ છે તો પણ છે તો પણ છે…

~ અનિલ ચાવડા