માછલીની   આંખમાં   ઘનઘોર   દરિયો   ઘૂઘવે
ફીણ થઈ પથરાયેલો  આખ્ખોય   કાંઠો   ઘૂઘવે

સૂર્યોદયને    વાર    છે    મોસૂઝણાને   વાર   છે
પંખીઓના  વનમઢ્યા  કલરવથી  વૃક્ષો   ઘૂઘવે

ફૂલ ઝાકળ રંગ ખુશ્બુ   કઈ   નથી  બાકી   હવે
ડાળ પર   ખાલી   પડેલો   એક   માળો   ઘૂઘવે

અડધી રાતે  કોટ  ઠેકી   એ  ધસી  આવે  કદાચ
રાતની   દીવાલ   પાછળ  એમ   તડકો   ઘૂઘવે

સૌ      ઉતારા      ક્યારના       શોષાય    ગયા
ને   પ્રવાસીના    પગોમાં   ધૂળ    રસ્તો   ઘૂઘવે

કાન  સૌ મંડાયેલા છે  એના  અંતિમ  શ્વાસ પર
અડધો પડધો શબ્દ કાગળ  પર  અટૂલો  ઘૂઘવે

મો ને આંખો  બેઉ ખુલ્લા રહી ગયા આશ્ચર્યથી
કંઠે   આદિલ  મૌન   થઈને  એક   ડૂમો   ઘૂઘવે

-આદિલ મનસુરી

સ્વરઃ  અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ
સંગીત : ડો ભરત પટેલ