શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને
એકબીજાને શોધતાં ગયાં દૂર તો આવ્યાં કને

કયાંક રે આંબો ટહૂકો એની
વનમાં મ્હેંકી વાત
કમળ જેવો ખીલતો દિવસ
પિયણાં જેવી રાત

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને
એકબીજાંને શોધતા ગયા દૂર તો આવ્યા કને

આંખ મીંચુ ત્યાં જૂઈનું ગાલે
અડતું ઝાકળ ફૂલ
મનમાં જાણે લ્હેરાવા લાગે
વ્યોમની કિરણ ઝૂલ

શોધો જેની પગલી એને મારગ શોધે મને
એકબીજાંને શોધતાં ગયાં દૂર તે આવ્યા કને

-ચંદ્રકાન્ત શેઠ

સ્વર :પ્રણવ મહેતા
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા