પાલવ ધરીને અમે ઊભાં રહ્યાં પણ
બોલી શક્યાં ના કોઈ વ્હેણ
માંગતાય આવડયું ના અમને કદી ને
એ સમજ્યાં નહી આંખડીના કહેણ

વેદનાનાં શૂળ કેમ અજંપાની ડાળખી
આપો કશુંક તમે આપો
પાલવ પસાર્યો છે આંગણ તમારે તો …
ખાલી હાથે ના આજ વાળો
કહીએ નહી તો અમને આંસુના ફૂલડાં
ખોબો ભરીને દિયો છેણ
તોય સમજ્યા નહીં આંખડીના કહેણ

લાગણીની ડેલીયું ઢીલી દીધી ને
એણે મનના બારણિયાં દીધાં વાસી
નિજની નજર્યુંમાં એવાં ભોંઠા પડ્યાં કે અમે
નિજની નજર્યુંમાં એવાં ભોંઠા પડ્યા કે હવે
કોને જઈ કહેવી આ કહાણી

તૂટેલાં કાળજાને વીણી વીણી ને અમે …
પાછાં વળ્યાં રે ભીને નેણ
એ સમજ્યા નહી આંખડીના કહેણ

– શિવકુમાર નાકર

સ્વર : મિતાલી સિંહ
સ્વરાંકન : શિવકુમાર નાકર