વહાલપના તાંતણાથી બાંધુ
રે વીરલાને વહાલપના તાંતણાથી બાંધુ
ઈટ્ટા કીટ્ટાને શું રાખું?
રે વીરલાને વહાલપના તાંતણાંથી બાંધું

કુમકુમ તિલકથી વધાવું રે ભાલ પર
ટપકું એક કાળું લગાડું રે ગાલ પર
પાંચે પકવાન આજ રાંધુ
રે વીરલાને વહાલપના તાંતણાંથી બાંધુ

આશિષ દીર્ધાયુના માગું મંદિર દોડી
સુખમય જીવન તારું યાચું રે હાથ જોડી
દીવડામાં પ્રાર્થનાને સાધુ
રે વીરલાને વહાલપના તાંતણાથી બાંધું

-યામિની વ્યાસ

સ્વર: ડૉ.ફાલ્ગુની શશાંક
સ્વરાંકન : ડૉ.ફાલ્ગુની શશાંક
સંગીત:દીપેશ દેસાઈ