દી’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું સખી
સળિયું ભાંગીને રાત કાઢી ને સાહ્યબો આવ્યો નહીં
હો સખી…… સાહ્યબો આવ્યો નહીં……..

સાથિયોપૂરું તો એને ઉંબર લઈ જાય
અને તોરણ બાંધુ તો એને ટોડલાં
કાજળ આંજુ તો થાય અંધારાઘોર અને
વેણી ગૂંથું તો પડે ફોડલાં
દી’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું,
સખી, પાંપણ લૂછીને રાત કાઢી ને
સાહ્યબો આવ્યો નહીં
હો સખી…… સાહ્યબો આવ્યો નહીં………

ઓશીકે ઉતરીને આળોટી જાય
મારા સૂના પારેવડાની જોડલી
નીંદરના વ્હેણ સાવ કોરાધાકોર
તરે ઓશિયાળા આંસુની હોડલી
દી’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું
સખી, પાંગત છોડીને રાત કાઢી ને
સાહ્યબો આવ્યો નહીં…..

-વિનોદ જોશી

સ્વર :ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : માલવ દિવેટિઆ