સખી, આંખોનું આયખું તો કેટલું?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું

આંખો તો આંગણું ને આંખો તો ઉંબરો
ને આંખો તો સોણલાની કેડી
આંખો તો ઓસરીને આંખો તો ઓરડો
ને આંખો તો સોણલાની મેડી
સખી, સોણલાનું આયખું તો કેટલું?
ઝીણા ઝાકળમાં સૂર્ય હસે એટલું?

આંખો ને સોણલાને પળનો સંબંધ
તોય સોણલા તો આંખોની સ્હાયબી
સોણલા વિનાની આંખ, જાગ્યાનું નામ
સખી, સોણલા તો આંખની અજાયબી
વ્હાલ ઝરમરતું સોણલામાં કેટલું?
હું તો નખશિખ ભીંજાઈ રહું એટલું !

– તુષાર શુક્લ

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : માલવ દિવેટિઆ