પાનખરની સાંજ માટે સાચવ્યો સૂરજ અને
આસોની રાત માટે ચાંદ
વાસંતી વ્હાલ માટે કોયલને સાચવી ને
સાચવ્યાં છે થોડાં ફૂલ પાંદ………..
પાનખરની……….

તારા પંખી માટે સાચવ્યું આકાશ
તારા ધુમ્મસિયા ખ્યાલ માટે વાદળ
દિવસ ને રાત અને પળપળ વિતે છે
તારી આસપાસ આગળ ને પાછળ
દરિયો પણ તું અને હોડી પણ તું અને
તું જ છે હલ્લેસાં ને સુકાન……….….
પાનખરની……..

સાચવ્યા છે કેટલાંય કોરા કાગળ
હજી કેટલાય ગીત નથી ગાયાં
સાથે હોઈએ કે છૂટા હોઈએ પણ
ઉછર્યા કરે છે તારી માયા
મારા એકાંતના સરવરમાં સાચવેલું
ઊઘડે કમળ ભીને વાન…….
પાનખરની……….

-સુરેશ દલાલ

સ્વરઃ ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : માલવ દિવેટિઆ