ચાલ, ચાલીએ સાથે સાથે
નીકળી જઈએ પ્રેમમાં આજે
તોડીને હોવાની સાંકળ, રાતથી આગળ, વાતથી આગળ, મનગમતા સંગાથની વાટે…

‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
સંગની હોડી તરતી મૂકીએ
પાણીમાં પાણી થઈ જઈને,
ઘરમાં રહેવું કેમ પાલવે ? પહેલવહેલો વરસાદ છે આજે.
ચાલ, ચાલીએ સાથે સાથે…

મૌનથી એ સંવાદો રચીએ
જડે નહીં જે શબ્દકોશમાં;
સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
હું કે તું ના રહે હોંશમાં,
હૈયું બોલે, આંખ સાંભળે એમ આપણી પ્રીત પાંગરે.
ચાલ, ચાલીએ સાથે સાથે…

-વિવેક મનહર ટેલર

સ્વર : મેહુલ સુરતી અને કલ્યાણી કૌઠાળકર
સ્વરાંકન : મેહુલ સુરતી