નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;
અમે તો ગીત ગુલાબી, ગાશું !

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :
અમે તો ગીત ગુલાબી ગાશું !

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું !

– સુરેશ દલાલ

સ્વર : નિધિ, મિતાલી, ખુશ્બુ, આયુષી
મિત્તલ, હિરલ, હર્ષિત, ચિંતન, મિત, ભાર્ગવ

સ્વરાંકન : સુનિલ રેવર

આલ્બમ :
સાત સૂરોની શિક્ષણ સરગમ – (2008)