તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું,
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું,

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું,

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું,

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું,

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું,

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું..

– વિવેક કાણે ‘સહજ’

સ્વર : રાહુલ રાનડે
સ્વરાંકન: રાહુલ રાનડે

 

સૌજન્ય : પ્રણય વસાવડા