પૂ.ગાંધીબાપુ

હંમેશા હાથમાં રાખી; ઉગામી ના કદી, બાપુ !
અહિંસક લાકડી અંગ્રેજને ભારે પડી બાપુ.

સતત સૂટ-બૂટ અને ટાઈ ચડાવીને જે ફરતી’તી,
ભૂરી પલટન એ છેલ્લે પોતડીથી થરથરી બાપુ !

સૂતર સાથે જ સ્વાધીનતાનું શમણું કાયમી કાંત્યું,
વિના હથિયાર, ક્રાંતિ ફક્ત કાંતીને કરી બાપુ !

તમે ચશ્માની સાથે એવું શું આંખો ઉપર પહેર્યું?
કે દ્રષ્ટિ કાયમી સામા હૃદયને જઈ અડી બાપુ !

સુણીને વારતા એની ઘણી પેઢીઓ મોટી થઈ,
તમારી નાનકી બકરી બની ગઈ છે પરી, બાપુ !

લઈ નરસિંહનાં પદને, ઉલટ સાથે ઉરે ચાંપ્યું,
તો વૈષ્ણવજનની વ્યાખ્યા આખી દુનિયાને મળી બાપુ !

ગુલામીનાં નથી કિન્તુ હજુ પ્રશ્નો ઘણાયે છે,
અનુકૂળતા જો આવે તો પધારોને ફરી બાપુ !

~ડૉ.મનોજ જોશી ‘મન’
(જામનગર)