કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

-બલમુકુંદ દવે
 
સ્વર: હર્ષિદા રાવલ અને જનાર્દન રાવલ