એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ
તને શું ફેર પડે છે?
તારી પાસે રૂપિયા છે છો નથી જ્ઞાન ભંડોળ
તને શું ફેર પડે છે?

રોજ સવારે વહેલો ઊઠી નિયમ પ્રમાણે જાય તુ ધંધો કરવા માટે.
વેકેશનમાં કુટુંબ સાથે જાય છે કંડક્ટેડ ટૂરમાં ફરવા માટે.
તું રાતે ઊંઘે છે ત્યારે અમેરિકા જાગે છે એમાં તારે શું છે?
જુદા દેશની ઘડિયાળોમાં જુદા જુદા વાગે છે એમાં તારે શું છે?
તારો રસ્તો સીધો, પૃથ્વી ચોરસ છે કે ગોળ
તને શું ફેર પડે છે?
એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ
તને શું ફેર પડે છે?

નકશામાં આડી ને ઉભી લીટીઓ તાણી ને તારે શું કરવું છે?
ડોડોમા ને એડિસ અબાબા ક્યાં છે તે જાણીને તારે શું કરવું છે?
તારે ફાઇલ વધે આગળ તે જોવાનું છે, નાઈલ ને વહેવું હોય તો વહેશે.
રહેવા માટે તારે ઘરનું ઘર ઈગ્લૂ માં જેને રહેવું હોય તે રહેશે.
ટાઇફૂન, ટોર્નેડો તારે માટે તો વંટોળ તને શું ફેર પડે છે?
એની ચિંતા છોડ ભલા તુ ભણ્યો નથી ભૂગોળ
તને શું ફેર પડે છે?

કર્કવૃત ને મકરવૃત ને વિષુવવૃત ના ચક્કરથી તું બચી ગયો છે.
ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય ની ટક્કર થી તું બચી ગયો છે.
ઉત્તર ધ્રુવ ઉત્તરમાં દક્ષિણ ધ્રુવ દક્ષિણમાં માત્ર એટલું લે તું જાણી,
બાકી તારે એક્સપોર્ટના ધંધામાંથી કરવાની છે ખૂબ કમાણી.
તારી મંઝિલ એક છે.
તારી મંઝિલ એક, દિશાઓ આઠ હોય કે સોળ
તને શું ફેર પડે છે?
એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ
તને શું ફેર પડે છે?
તારી પાસે રૂપિયા છે.

– શાયામલ મૂન્શી
 
સ્વર : શ્યામલ મુન્શી
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

 

સૌજન્ય : જયેશ સુરેશલાલ શાહ, સુરત