કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે
તારલીઓ ટોળે વળી નભચોક!
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે ચાંદનીએ વેરેલ તેજનાં ફૂલડાં રે
કે ફૂલડાંની ફોરમ ઝીલે નરલોક:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે વ્હાલમની વિલસે વ્હાલપની આંખડી રે
કે એહવું વિલસે ચન્દ્ર કેરું નેણ:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

કે કિરણે કિરણે અમૃત દેવનાં રે
કે એહ જળે હું ય ભરું હૈયાહેલ;
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે

 
-કવિ ન્હાનાલાલ
 

સ્વર: ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન :અમર ભટ્ટ