ભાવના પંડયા

મારું ગોકુળ છોડયું તેં શ્યામ !
હવે શ્યામ કહી તને નહીં બોલાવું

જળથી યે છૂટેલી તગતગતી નજર્યું તારી
છબીયુ દેખાડી મનાવી
આવશે ! નો અણસારો આપી આંખલડીને
આછા અજવાસે પોઢાડી
કોઈ બીજોતે રંગ ચડ્યો દ્વારકાના નાથ !
મેં તો આયખામાં શ્યામ નામ ત્રોફાયું
પણ શ્યામ કહી તને નહીં બોલાવું

અંતરનો અમીરસ પાઈ તને
નેહનો નૈવેદ્ય ધરાવ્યો
આ દેહને જ દેરું બનાવી તને
અંતરના આસને આરાધ્યો
મોટપનો રંગ ચડયો દ્વારિકાના નાથ !
મારુ ગોરસ તેં પકવાને જોખ્યું ?
હવે શ્યામ કહી તને નહીં બોલાવું

મારું હેવાતન તું , મારું આભુષણ તું
અંગે છાયેલ મારું છાયલ પણ તું
પૂનમની સાખે કદંબ કેરી છાંયે
ભીતરની યમુનાનું ખળખળ પણ તું
સોનાનો રંગ ચડ્યો દ્વારિકાના નાથ
સહેજ ઝંખેલું વ્હાલ તને ડંખ્યું ?
જા ! શ્યામ કહી તને નહીં બોલાવું

– ભાવના પંડયા

સ્વર : પિયુષ દવે
સ્વરાંકન : પિયુષ દવે
કોરસ : હાર્દિકા દવે ,કોમલ પુરોહીત અને ક્યુરી ટીંબલીયા

સંગીત : ભાર્ગવા ચાંગેલા

રેકોર્ડિંગ : કથન સ્ટુડિયો , જૂનાગઢ