રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે?
રમતમાં જીતનારાના વિજયના કેન્દ્રમાં શું છે?

અવાજો નાદ ને શબ્દો બધાથી થૈ ગયા માયૂસ;
હવે તો મૌનને પૂછો કે લયના કેન્દ્રમાં શું છે ?

બિચારી વાત તો જીભે જ આવીને ઠરી ગઈ’તી;
અને સૌ જાણવા માંડ્યા વિષયના કેન્દ્રમાં શું છે ?

ધબકતું લોહી ને શ્વાસો ઢળીને સાંજ થાશે, ને –
તને તરત જ ખબર પડેશે હૃદયના કેન્દ્રમાં શું છે?

ભલેને અસ્ત સૂરજનો તને આંખો જ સમજાવે;
તને સપનું જ કે’શે કે ઉદયના કેન્દ્રમાં શું છે?

અહીં બે માણસો જીવે બનાવી વિશ્વને વર્તુળ;
પરંતુ બેઉ ના જાણે ઉભયના કેન્દ્રમાં શું છે ?

મને આ ઝાડ, ચકલી, વ્યોમ સઘળું વ્યર્થ લાગે છે;
મને હે દ્રોણ! સમજાવો સમયના કેન્દ્રમાં શું છે?

-અશરફ ડબાવાલા

સ્વર : શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી