મહેન્દ્ર ‘સમીર’

Comments Off on મહેન્દ્ર ‘સમીર’

ના એ નથી  જ, કોઈ નથી, કોઈ  પણ નથી,
એ  ક્યાંથી હોય એણે કબર જોઈ  પણ નથી?

ગુંજી   ઊઠી   ફરીથી   ત્યાં  શરણાઈ  માંડવે,
અશ્રુ    ભરેલ   આંખ  હજુ  લોઈ  પણ  નથી.

જો યાદ ગઈ મરી, તો થઈ દિલ મહીં કબર,
ના સાચવી શક્યા તો  અમે ખોઈ પણ નથી.

એના  જ  હાથમાં  છે   હવે  કાફલો ‘સમીર’,
રસ્તાની ધૂળ  જેણે  કદી  જોઈ   પણ  નથી.

– મહેન્દ્ર ‘સમીર’

આદિલ મન્સુરી

Comments Off on આદિલ મન્સુરી

કશુંય   કહેવું   નથી   સૂર્ય  કે સવાર વિષે,
તમે   કહો   તો   કરું  વાત  અંધકાર વિષે.

ન   કોઈ   ડાળે   રહસ્યોનાં  પાંદડા  ફૂટ્યા,
કળીના  હોઠ ઊઘડતા  નથી   બહાર  વિષે.

સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
ને  વાત ચાલી  હતી  તારા ઈંતેઝાર વિષે.

બિચારો  દર્દી   કશું બોલતો  નથી ને છતાં,
તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે.

હજીયે  તાજા છે શબ્દોના સર્વ ઘા ‘આદિલ’,
હજીયે   લોહી  ટપકતું  કલમની  ધાર વિષે.

– આદિલ મન્સુરી

સુરેન્દ્રસિંહ જાડેજા

Comments Off on સુરેન્દ્રસિંહ જાડેજા

મળે  જો સમય   તો સમય માપવો  છે
અને  જો  બને  કદ  મુજબ કાપવો  છે

બને  કે મળી  જાય   ભગવાન  માફક
વિતેલા  સમયને  સતત   જાપવો  છે

મળી  જો  શકે  એક  ફોટો    સમયનો
“ઘરે  આવ  પાછો ” લખી  છાપવો છે

ભલે   હોય   ખાલી  કરો  હાથ  લાંબા
અમારો  સમય  છે  મફત  આપવો છે

– સુરેન્દ્રસિંહ જાડેજા

નીતિન વડગામા

Comments Off on નીતિન વડગામા

 

જરા  તું  ઝુક  થૈ   ડાળી તને સઘળુંય  સાંપડશે,
પછી  રાજી  થશે  માળી તને સઘળુંય  સાંપડશે.

હશે  જો  ધાર  એની તો  જ ધાર્યું કામ કરવાની,
કલમ, કરવતને  કોદાળી તને સઘળુંય સાંપડશે.

અદબ વાળી અહીં તું સાવ ખાલી  હાથ કાં ઊભો ?
દઈ  દે  હાથમાં  તાળી  તને સઘળુંય  સાંપડશે.

પ્રથમ તું શાંત દરિયાનો દરજ્જો સાવ  છોડી  દે,
નદી  થૈ  જાને  નખરાળી તને સઘળુંય સાંપડશે.

ઉપરછલ્લું અડકવાથી કશું પણ હાથ નહીં લાગે,
રહેશે  જાત   ઓગાળી  તને  સઘળુંય  સાંપડશે.

રટણ  તું  રોજ કરજે  હા, કદી તો  પ્રેમરસ  પાશે,
વરસશે સ્હેજ  વનમાળી તને સઘળુંય  સાંપડશે.

– નીતિન વડગામા

Newer Entries

@Amit Trivedi