માનવીના હૈયાને નંદવામાં

Comments Off on માનવીના હૈયાને નંદવામાં

 


 

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને
અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે
પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

-ઉમાશંકર જોશી

સ્વર : નિરૂપમા શેઠ

હરદમ તને જ યાદ કરું

Comments Off on હરદમ તને જ યાદ કરું

 


 

હરદમ તને જ  યાદ   કરું, એ   દશા   મળે,
એવું   દરદ   ન   આપ   કે  જેની દવા મળે.

સોંપી દઉં   ખુદાઈ   બધી   એના   હાથમાં,
દુનિયામાં ભૂલથી જો  કોઈ   બાવફા   મળે.

ઝંઝા   સમે   ગયો  તે   ગયો,   કૈં પતો નથી,
દેજો   અમારી યાદ   અગર   નાખુદા   મળે.

સૌથી   પ્રથમ   ગુનાની  કરી  જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે  એને  સજા મળે.

કાઠું  થયું  હૃદય  તો   જીવનની મજા ગઈ,
એ  પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો   નિગાહ   ‘શૂન્ય’ના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ  કોઈ પણ રૂપે ખુદા મળે.

– ‘શૂન્ય’ પાલનપુરી

સ્વરઃ ધનાશ્રી પંડિત

હવે મંદિરના બારણા ઉઘાડો

Comments Off on હવે મંદિરના બારણા ઉઘાડો

અનુરાધા પોડવાલના સ્વરમાં :

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાતઓ
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલનની જાગ્યું અભિરાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

– અવિનાશ વ્યાસ

સ્વર : અનુરાધા પોડવાલ

મારે રુદિયે બે મંજીરાં

Comments Off on મારે રુદિયે બે મંજીરાં

 


 

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં

Comments Off on જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં

 

 

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
છાંયડા ક્યાંક રે ડ્હોળા ને ક્યાંક નીતર્યા

ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની
ક્યાંક વાગે પોચો પોચાયેલ પ્હાડ
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં

એનો તાતો રે તાણેલ શઢ તો પાંદડું!
એમાં જળના ભરોસા હિલ્લોળાય
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા

હોડીબાઈ જળમાં બંધાણા કાચા તાંતણે
જળની જળવત્તા જાળવતા જાય!
હોડીબાઈ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યાં

એને જળનો થાકોડો, જળનો આશરો
એને જળના ઘરેણાં, જળની ટેવ
હોડીબાઈ જળનાં જડબાને સાવ વિસર્યાં!

કાવ્યઃ રમેશ પારેખ
સ્વરઃ હરિશ્ચંદ્ર જોશી અને ગાર્ગી વોરા
સ્વરાંકનઃ હરિશ્ચંદ્ર જોશી
સંગીત નિયોજનઃ સુરેશ જોશી

Older Entries Newer Entries

@Amit Trivedi