અલી તું તો ઢળકતી ઢેલ!

Comments Off on અલી તું તો ઢળકતી ઢેલ!

 


 

અલી તું તો ઢળકતી ઢેલ!

અલી તું તો ઢળકતી ઢેલ!
કે તારો વાલમો વનનો મોરલો

તારે નેણલે સોહાગનો નેહ
એવે નેણલે નીરખ્યો મોરલો
કે તારો વાલમો વનનો મોરલો

અલી તું તો ઢળકતી ઢેલ!
કે તારો વાલમો વનનો મોરલો

દૂરની વનરાઈમાં મોરલાને માંડવે
ગ્યાતાં ઢોલણરાણી નાચંતા નેણલે

કે પીધી મીઠાં આંસુડાની હેલ!
કે તારો વાલમો વનનો મોરલો
અલી તું તો ઢળકતી ઢેલ!

શરમાળી આંખોમાં શમણાં સંતાડતી
તારા કોડીલા હૈયાની કહેતી જા વાતડી

કે જોને પાંગરતી મઘમઘતી વેલ!
કે તારો વાલમો વનનો મોરલો

અલી તું તો ઢળકતી ઢેલ!
કે તારો વાલમો વનનો મોરલો

સ્વરઃ ગીતા રોય
ગીતઃ પ્રહ્‌લાદ પારેખ
સંગીતઃ અજિત મરચંટ
ચિત્રપટઃ લગ્નમંડપ (૧૯૫૦)

ફળિયે ઢોલ ઢબુક્યા આજે

Comments Off on ફળિયે ઢોલ ઢબુક્યા આજે

 

 

ફળિયે ઢોલ ઢબુક્યા ત્યારે , હૈયે દાંડી વાગે
દોર વીંટેલી એક ઢીંગલી , ઉંબર જઈ છલાંગે

આંખોનું જે રતન હતું તે આંસુ થઈને વછૂટે
ઢીંગલીના આ મૈયર ઘરનું એક આયખું ખૂટે
અષાઢ આંખે ઉતરી આવે , ફૂલ્યા ફાલ્યા ફાગે

ખૂલતા તોયે બંધ રહેશે , ઘરના બારી ઝાંપા
અડતા આંખે ભીંત ઊપરથી લાલ રંગના થાપા
રાત વરત નું સૂનું ખોરડું નળીયા સોતુ જાગે

કાલી ઘેલી મીઠી વાતું , ચાંદરડા થઇ ચમકે
વા થી ઘરની સાંકળ જાણે , ખખડે મીઠા ઠમકે
ફોરા થઇ આ આંખોમાં, તે આવેલી લાગે

શીયા – વીં યા આ ઘરના તોરણ, ભોંય ઝૂકીને ઝૂરે
ઉંબર આડો થઇ રીસાયો , કોણ સાથીયા પૂરે ?
કાકા કરવું બંધ કર્યું છે ઘર મોભારે કાગે
ફળિયું પરના બેવળ નળીયા ,ઘર ખાલીપો તાગે

– ભાસ્કર ભટ્ટ

સ્વરાંકન : ડો ભરત પટેલ

દિવસ રાત થાતા આ  જેના   ઈશારે

Comments Off on દિવસ રાત થાતા આ  જેના   ઈશારે

 

 

દિવસ રાત થાતા આ  જેના   ઈશારે
ઘડીભર તને પણ એ ક્યાંથી  વિસારે

સકળ બ્રહ્મ  જેની  અજાયબ અટારી
નઝર જયાં કરૂં  હોઉ  એના  જ   હારે

બધા  દર્દની   એક  એવી   દવા  છે
અહોરાત રટવું  પરમ  નામ   પ્યારે

જો શોધો  તો ઓછી પડે જીંદગાની
જો ચાહો તો ખુદ આંગણે એ પધારે

કથાનક   નથી   સાવ  કોરું કરમનું
અમે શબ્દ ઘટ્યા  છે   સાંજે  સવારે

– દિલીપ જોશી

સ્વર : નિગમ ઉપાધ્યાય

સ્વરાંકન : ડો ભરત પટેલ

ગરબે રમવાના થિયા ઓરતા રે

Comments Off on ગરબે રમવાના થિયા ઓરતા રે

 

 

ગરબે રમવાના થિયા ઓરતા રે ,આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે
ચોકે નરનાર સહુ ડોલતા રે,આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે

પડવેથી પુનમનો પંથ કેવો પાવન, જ્યાં જ્યાં નિહાળો ત્યાં માના હો દર્શન
આંગણીએ આંગણીયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે,આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર , માં ને પૂછીને ઊગે સૂરજ ને ચંદર
ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માણ્ડ રંગ ઢોળતાં રે, આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે

– દિલિપ જોશી

સ્વરાંકન ડો ભરત પટેલ

 

રાત  રોનક  સમા તમારી  છે

Comments Off on રાત  રોનક  સમા તમારી  છે

 


 

રાત    રોનક   સમા   તમારી  છે
મારું   શું   છે?  સભા   તમારી  છે

છે  અમારી   બધી  અફળ ઈચ્છા
જે   ફળી  તે   દુઆ   તમારી   છે

લ્યો !  ઉઠાવો  તરંગ  ફાવે એમ
જળ તમારું   હવા    તમારી   છે

આખરે  આપ   મુક્ત   પંખી  છો
આભ   જેવી   જગા   તમારી  છે

નિત્ય     હોવું       નવનવા    રૂપે
એ   પુરાણી   પ્રથા   તમારી   છે

કાલ   મેં    પ્રેમગ્રંથ  વાંચ્યો ‘તો
પાને   પાને   કથા    તમારી   છે

રાજ   ગિરનાર   છે    એ    સાચું
પણ શિખર પાર ધજા તમારી છે

– રાજ લખતરવી

સ્વરાંકન: ડો ભરત પટેલ

Older Entries Newer Entries

@Amit Trivedi