તું નહીં તો શું?

Comments Off on તું નહીં તો શું?

 

 

તું નહીં તો શું?
એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો, થઈ જાતા વૈશાખી લૂ
તું નહીં તો શું ?
તારા અભાવ ભરી રાત મને પીડે છે, જાણે કે પીંજાતું રૂ

માથા પર સડસડતા તોર ભર્યા રઘવાટે નીકળું હું છાંયડાની શોધમાં
પાનીમાં ખૂપેલી રસ્તાની કાંકરીઓ કહેતી કે જીવતર અવરોધમાં
સુક્કુ કોઈ ઝાડ ખર્યા પાંદડામાં ખખડી ને પાછા વળવાનું વન કહેતું

છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને ભીંસ આ પહાડોનો ડૂમો
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ સામટી સુકાઈ જતી બૂમો
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભૂલાય નહીં તું

– સંજુ વાળા

સ્વર: નિધી ધોળકિયા

સ્વરાંકન: ડો ભરત પટેલ

મારા રળજી રે

Comments Off on મારા રળજી રે

 

 

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તો ય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી – તીતીઘોડે પાડી તાલી
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા-
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે તમારા હોઠ તણો શો હધડો
પોપટ-પેટ કપાવી લાવો, નાજુક પાની પર બંધાવો
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી-ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં-અમને કાળજકાંટા વાગ્યા.

– રાવજી પટેલ

સ્વર : સુરેશ જોષી

તમે શ્યામ થઈને

Comments Off on તમે શ્યામ થઈને

 

 

તમે શ્યામ થઈને ફૂંકો, મને   વાંસળી    બનાવો
પછી આભ થઈને વ્યાપો, મને વાદળી  બનાવો

ભલે   અંગથી   છૂટીશું   પણ  સંગ   યાદ   રહેશે
તમે  સાપ-રૂપ  લો   તો   મને  કાંચળી  બનાવો

તમે  પર્વતો  ઊઠાવો  કે  પછી કોઈ રથ બચાવો
મને ભાર  કંઈ  ન  લાગે  મને  આંગળી  બનાવો

તમે આંખમાં   વસો છો અને શ્વાસમાં શ્વસો છો
અમે  તોય  તમને  જોશું  ભલે  આંધળી બનાવો

– દિલીપ રાવળ

સ્વર : રૂપકુમાર રાઠોડ

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

Comments Off on કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

 

 

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ
છછૂંદરોનું છૂ છૂ છૂ

કૂજનમાં શી કક્કાવારી?
હું કુદરતને પૂછું છું.
ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો
માનવ ઘૂરકે હું હું હું

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ

લખપતિઓના લાખ નફામાં
સાચું ખોટું કળવું શું?
ટંક ટંકની રોટી માટે
રંકજનોને રળવું શું?

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ

હરિ ભજે છે હોલો
પીડિતોનો પ્રભુ! તું પ્રભુ તું
સમાનતાનો સમય થાશે ત્યાં
ઊંચું શું ને નીચું શું?

ફૂલ્યાં ફાલ્યાં ફરી કરો કાં
ફણિધરો શાં ફૂં ફૂં ફૂં

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ

થાંથાં થઈને થોભી જાતાં
સમાજ કરશે થૂ થૂ થૂ
માન વિનાના મૂકી જાશે
ખોટાં ખૂખલાં ખૂ ખૂ ખૂ

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ

પરમેશ્વર તો પહેલું પૂછશે
કોઈનું સુખદુ:ખ પૂછ્યું’તું?
દર્દભરી દુનિયામાં જઈને
કોઈનું આંસુ લૂછ્યું’તું?

ગેં ગેં ફેં ફેં કરતાં કહેશો
હેં હેં હેં હેં! શું શું શું?
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ

-દિનકરરાય કેશવલાલ વૈદ્ય
‘મીનપિયાસી’

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

Comments Off on જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

 

 

જીવન-મરણ   છે  એક  બહુ  ભાગ્યવંત છું,
તારી   ઉપર   મરું છું   હું   તેથી જીવંત  છું.

ખૂશ્બૂ હજી છે બાકી  જો સૂંઘી   શકો  મને
હું     પાનખર   નથી-હું   વીતેલી  વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની   મધ્યમાં     છું-હું  તેથી અનંત   છું.

બન્ને દશામાં શોભું  છું – ઝુલ્ફોની   જેમ  હું
વીખરાયેલો   કદી   છું,   કદી   તંતોતંત   છું.

મારા    પ્રયાસ   અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેે માં ભાગ   નથી એવો   ખંત છું

રસ્તે   પલાંઠી વાળીને  -બે ઠો છું. હું ‘મરીઝ’
ને આમ   જોઈએ તો    ન  સાધુ   ન   સંત

– મરીઝ

Older Entries Newer Entries

@Amit Trivedi