જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

Comments Off on જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ,
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

– હરિન્દ્ર દવે

સ્વર : પરેશ ભટ્ટ

સ્વરાંકન : પરેશ ભટ્ટ

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,

Comments Off on ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,

 

 

ચાલ, સાથે બેસી   કાગળ    વાંચીએ,
વીત્યાં     વર્ષોની    પળેપળ  વાંચીએ.

છે બરડ    કાગળ ને   ઝાંખા  અક્ષરો,
કાળજીથી   ખોલીને    સળ  વાંચીએ.

પત્ર સૌ  પીળા પડયા    તો   શું   થયું?
તાજે તાજું   છાંટી    ઝાકળ  વાંચીએ.

કેમ તું  રહી   રહીને   અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને   આગળ   વાંચીએ.

પત્રના શબ્દો   ચહેરાઈ   ઝાંખા  થયા,
આંખથી લુછી લઈ    જળ,  વાંચીએ.

લ્યો, ટકી રહી છે હજી થોડી  સુવાસ,
શ્વાસમાં   ઘુંટીનેે   પીમળ     વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં   રહી   ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

– ભગવતીકુમાર શર્મા

સ્વર : દેવેશ દવે

સ્વરાંકન : દેવેશ દવે

રોઈ રોઈ આંસુની ઊમટે નદી

Comments Off on રોઈ રોઈ આંસુની ઊમટે નદી

 

 

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વીખરાતાં રેશું.

છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.

આઠમની ધોધમાર મધરાતે એક વાર
પાનીએ અડીને પૂર ગળશે,
પાણીની ભીંતો બંધાઈ જશે
ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.

લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું,
અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું.

ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

– માધવ રામાનુજ

સ્વર : વિભા દેસાઇ

સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ

બધે સરખું નિહાળું હું

Comments Off on બધે સરખું નિહાળું હું

 

 

બધે સરખું નિહાળું હું મને એવી નજર  દે  જે,
નશો ઉતરે કદી ના આ મને એવી અસર  દે જે

બદનને ‘હું’ જ સમજે છે થઇ  છે કલ્પના  કેવી
મને આ ‘હું’ને દફનાવવા ગુરુ ગમની કબર દેજે

અનુભવ ખુદને રબનો થયો  છે   ખુદને   જાણી
ગુરુ. ચરણે   રહું કાયમ મને એવી  સફર દેે  જે

નયનના દ્વાર ઉઘડે  ને    બધે  દીદાર  તારો  છે
કદી   અંધકાર આવે ના મને એવી સહર દે  જે

કહે વીંટી કહે કુંડળ જુવો તો ઘાટ   સૌ   જુદા
અઘાટે શું રહ્યું ‘ચાતક’ મને એની ખબર દે  જે

– ગફુલ રબારી “ચાતક”

સ્વર :ઓસમાન મીર

સ્વરાંકન : જનમેજય વૈદ્ય

કોઈને આગ લાગું છું

Comments Off on કોઈને આગ લાગું છું

 


 

કોઈને   આગ. લાગું   છું,  કોઈને નૂર  લાગું  છું,
ખરેખર તો હું ખાલી છું, છતાં ભરપૂર  લાગું  છું,

દયાળુએ   દશા   એવી  કરી છે મારા જીવનની,
નિખાલસ કોઈને, તો કોઈને   મગરૂર   લાગું  છું.

હકીકતમાં તો   મારી જિંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાઉં છું નજદીક ,ને જોજન દૂર લાગું છું.

તમારા. રૂપની   રંગત   ભરી છે મારી આંખોમાં,
અને   આ  લોકને લાગ્યું, કે  હું ચકચૂર લાગું છું.

કસોટી. પર તો  છું   ફકત   એક   કાચનો કટકો,
ખુદાની  મહેરબાની   છે  કે   કોહિનૂર  લાગું  છું.

–  નાઝીર દેખૈયા

સ્વર : સંજય ઓઝા

સ્વરાંકન :સંજય ઓઝા

Newer Entries

@Amit Trivedi