સખી મારા આંસુ

Comments Off on સખી મારા આંસુ

 

 

સખી મારા આંસુના સાથિયે બેસીને કાગડો બોલ્યા કરે રે લોલ
ફળિયે લીલીછમ નાગરવેલ્ય કે ઝરઝર કંકુ ઝરે રે લોલ.

કંકુ નીતરે રેલમછેલ કે શેરીયું રાતી રાતી રે લોલ,
સખી મને આવું તે આવડ્યું ક્યાંથી કે નીસરું ગાતી ગાતી રે લોલ

સખી મારી રાતે હથેળિયું વચ્ચે પાતળોક રેલો પડ્યો રે લોલ
ગામલોક ટોળે વળીને કાંઈ પૂછે કે દરિયો ક્યાંથી જડ્યો રે લોલ

સખી હું તો જઈ મા’દેવને પારે ચપટીક છાંયો મેલું રે લોલ,
કે દેવતા મારે તે ફળિયે મો’રી છે છાંયડી પ્હેલુંવ્હેલું રે લોલ

– રમેશ પારેખ

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન : અમર ભટ્ટ

પુત્ર નાનો

Comments Off on પુત્ર નાનો

 

હતો હું   સૂતો  પારણે   પુત્ર   નાનો,
રડું છેક  તો  રાખતું   કોણ   છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ  થાતું ?
મહા  હેતવાળી  દયાળી  જ  મા તું.

સૂકામાં  સુવાડે ભીને  પોઢી  પોતે,
પીડા પામું  પંડે તજે  સ્વાદ તો  તે;
મને સુખ   માટે  કટુ  કોણ  ખાતું ?
મહા હેતવાળી  દયાળી  જ મા તું.

લઈ છાતી  સાથે  બચી કોણ  લેતું ?
તજી તાજું  ખાજું  મને કોણ  દેતું ?
મને કોણ મીઠાં મુખે   ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ  મા તું.

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે    પાંપણે   પ્રેમનાં  પૂર   પાણી;
પછી કોણ  પોતાતણું   દૂધ   પાતું ?
મહા હેતવાળી દયાળી  જ  મા તું.

મને કોણ કે’તું  પ્રભુ  ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી  મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા  રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી  જ  મા તું.

તથા આજ તારું   હજી   હેત તેવું,
જળે માછલીનું   જડ્યું  હેત   તેવું;
ગણિતે ગણ્યાથી  નથી તે ગણાતું,
મહા  હેતવાળી  દયાળી જ મા તું.

અરે ! એ  બધું શું ભલું  જૈશ ભૂલી,
લીધી ચાકરી  આકરી  જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ  મા તું.

અરે !   દેવતા  દેવ  આનંદદાતા !
મને ગુણ  જેવો   કરે  મારી માતા;
સામો વાળવા જોગ  દેજે  સદા તું,
મહા હેતવાળી  દયાળી  જ મા તું.

શીખે  સાંભળે  એટલા છંદ આઠે,
પછી પ્રીતથી  જો કરે  નિત્ય પાઠે;
રાજી  દેવ  રાખે  સુખી સર્વ   ઠામે,
રચ્યા  છે  રૂડા  છંદ   દલપતરામે.

– દલપતરામ

ક્યાંક નાચતી કોયલ

Comments Off on ક્યાંક નાચતી કોયલ

 

 

આસ્વાદ : ડો સુનીલ જાદવ

 

ક્યાંક નાચતી કોયલ સાજણ ક્યાંક બોલતા મોર
વાટ નીરખતી વાટે પાક્યાં લીલા પીળા બોર

અંધારામાં મબલક વાવી
વણકીધેલી વાતુ
એકલતાને ભાંગી રહ્યો
જેમ ટીપે કો ધાતુ

અજવાળુ ઘુરકે છે જાણે બેઠો આદમખોર
ક્યાંક નાચતી કોયલ સાજણ ક્યાંક બોલતા મોર

ચકલુ ફરકે એય હવે તો  
સહી શકે ના કાન
મનની મૃત ધરા પર ખરતા
કુણેકુણા પાન

વાટ નીરખતી આંખે વાવ્યા લીલે લીલા થોર
ક્યાંક નાચતી કોયલ સાજણ ક્યાંક બોલતા મોર

– ડો.નરેશ સોલંકી

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

મજબૂરી કેવી ડાળની

Comments Off on મજબૂરી કેવી ડાળની

 

 

મજબૂરી   કેવી  ડાળની, બટકી ય  ના શકે
એનાં   ખરેલાં   પાનને  અડકી ય  ના   શકે

એવા છે  ચ્હેરા   કૈંક   જે  છૂટે   ન  દ્રષ્ટિથી,
ભીતે   છબિની   જેમ  તે   ટકી  ય ના   શકે

વહેતી રહી અવાજની  સરવાણીઓ ભીતર,
કંઠે   ડૂમો   છે   એવો  કે  ત્રબકી ય ના શકે

કાયમ   ખૂલી  રહે  છે   પ્રતીક્ષાની   ટેવથી,
આંખો  હવે તો  ઊંઘમાં  ઝબકી ય ના શકે

આજે  દ્વિધાનો  પંથ   ચરણને   નડી  ગયો,
આગળ વધી શકે નહીં,અટકી  ય  ના  શકે

આંખોને દોસ્ત, આજ. નદી કઈ રીતે કહું?
જો આવે ઘોડાપૂર તો છલકી  ય  ના  શકે!

– મનોજ ખંડેરિયા

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ

આંખોમાં આવી રીતે તું

Comments Off on આંખોમાં આવી રીતે તું

 

 

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી  થયેલ  ગામમાં જાસો ન  મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં  હિંસક છે આજકાલ,
રહેવા દે  રોજ તું  મને ગજરો ન મોકલાવ.

તું  આવ કે પાડી રહ્યો   છું  સાદ હું   તને,
પહાડોની જેમ ખોખરો  પડઘો ન મોકલાવ.

ખાબોચિયું   જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી   ડુબાડવાને તું  દરિયો  ન  મોકલાવ.

થોડોક  ભૂતકાળ   મેં  આપ્યો હશે  કબૂલ,
તું  એને  ધાર   કાઢીને  પાછોો ન મોકલાવ.

– રમેશ પારેખ

સ્વર : નયનેશ જાની

સ્વરાંકન :નયનેશ જાની

Newer Entries

@Amit Trivedi