પૂનમને કહેજો કે પાછી ન જાય

Comments Off on પૂનમને કહેજો કે પાછી ન જાય

પૂનમને કહેજો કે પાછી ન જાય,
ઊગી ઊગીને આમ આછી ન થાય.

આંખોના અજવાળાં ઘેરી ઘુમ્મટે,
ઝૂકેલી વીજને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજે છલકંતા ઉમટે,
રૂપના અંબાર એના મુખડે,
સોળે કળાયે એની પ્રગટી છે કાય,
પૂનમને કહેજો કે પાછી ન જાય.

માને ના એક મારી આટલી વાતને,
તોય ભલે આજે તો નીતરે,
આવતી અમાસની અંધારી રાતને,
ચંદન ચારેકોર નીતરે,
આંખડીને એવી અજવાળી અપાય,
ઉગી ઉગીને ભલે આછી તો થાય.
પણ પૂનમને કહેજો કે પાછી ન જાય,

  • નિરંજન ભગત

સ્વર : કૃશાનુ મજુમદાર
સ્વરાંકન : કૃશાનુ મજુમદાર

ફાગણની કાળઝાળ સુક્કી વેળા કૃશાનુ

Comments Off on ફાગણની કાળઝાળ સુક્કી વેળા કૃશાનુ

 

 

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

-રમેશ પારેખ

સ્વર : કૃષાનું મજમુદાર
સ્વરાંકન : નયનેશ જાની

શરણ્યે વરણ્યે

Comments Off on શરણ્યે વરણ્યે

શરણ્યે વરણ્યે સુકારણ્યપૂર્ણે
હિરણ્યોદરાદ્યૈરગમ્યેતિ પુણ્યે

ભવારણ્યભીતં ચ માં પાહિ ભદ્રે,
નમસ્તે નમસ્તે નમસ્તે ભવાનિ
રક્ષા કરો જગદંબા ભવાની
નિશ દિન રટું હું તો અંબા અંબા અંબા

વર્ણ વિવર્ણ વિવિરમે વાણી
ચૌદ ભુવનની હે મહારાણી
નિસદિન રટું હું તો અંબા અંબા અંબા

અંતરમાં તું અંતરયામી
વિશ્વ સ્વરૂપે વિશ્વ સમાણી
ખમ્મા તમને માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
રક્ષા કરો જગદંબા ભવાની

  • નિનુ મઝુમદાર

સ્વર : રાજુલ મહેતા
સ્વરાંકન : રાજુલ મહેતા

ચાલ રમીએ સહિ

Comments Off on ચાલ રમીએ સહિ

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,
ક્યારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,
ખોયેલા દિવસનો ખંગ વળશે.

  • નરસિંહ મહેતા

સ્વર : હેમા દેસાઈ અને સોલી કાપડીયા
સ્વરાંકન : આશિત દેસાઈ

Newer Entries

@Amit Trivedi