પૂનમને કહેજો કે પાછી ન જાય,
ઊગી ઊગીને આમ આછી ન થાય.

આંખોના અજવાળાં ઘેરી ઘુમ્મટે,
ઝૂકેલી વીજને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજે છલકંતા ઉમટે,
રૂપના અંબાર એના મુખડે,
સોળે કળાયે એની પ્રગટી છે કાય,
પૂનમને કહેજો કે પાછી ન જાય.

માને ના એક મારી આટલી વાતને,
તોય ભલે આજે તો નીતરે,
આવતી અમાસની અંધારી રાતને,
ચંદન ચારેકોર નીતરે,
આંખડીને એવી અજવાળી અપાય,
ઉગી ઉગીને ભલે આછી તો થાય.
પણ પૂનમને કહેજો કે પાછી ન જાય,

  • નિરંજન ભગત

સ્વર : કૃશાનુ મજુમદાર
સ્વરાંકન : કૃશાનુ મજુમદાર