થઈ શકે તો બસ ઉથલપાથલ

Comments Off on થઈ શકે તો બસ ઉથલપાથલ

થઈ શકે તો બસ ઉથલપાથલ કરો, વનને વસ્તી, શહેરને જંગલ કરો;
હો શીદને પથ્થર ઉપાડો છો તમે, પાંપણો ઉંચકો અને ઘાયલ કરો.

જ્યાં નિરંતર કોઈનો પગરવ હશે,
ત્યાં પ્રતીક્ષાનો સતત ઉત્સવ હશે.

લાગણીની વ્યગ્રતા છે ટેરવાં, બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં.
શક્યતા સબંધની એમાં હશે, એક બારીની જગા છે ટેરવાં.
આંખમાં ભીનાશ જે ઉભરી હતી, એ બધી યે પી ગયાં છે ટેરવાં.
ભેદ જ્યાં જાણ્યો હથેળીનો પછી સાવ મુંગા થઈ ગયાં છે ટેરવાં.

-કૈલાશ પંડિત

સ્વરઃ શેખર સેન
સ્વરાંકનઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

સુખની આખી અનુક્રમણિકા

Comments Off on સુખની આખી અનુક્રમણિકા

સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને એ પુસ્તકમાંથી ગાયબ!
ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ

આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ

-મુકેશ જોશી

સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ

એક તૂટેલું બીન

Comments Off on એક તૂટેલું બીન

એક તૂટેલું બીન ને બીજું મન ગમગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

કોઈ લોચન ઢળ્યાં જમીન
કોઈ તન ને મન તલ્લીન

બોલે તોયે શું? ના બોલે તોયે શું?

નિર્જન વનવગડાની વાટે
કોઈ વાદળ વરસ્યું ના વરસ્યું,
નીરભર સરવરને આરે
કોઈ ઝૂરે તરસ્યું ના તરસ્યું

એક તડપતું મીન બીજું ઈન્દ્રધનુ રંગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

કોઈ રસભર સારસ જોડી
સંગે કરતી દોડાદોડી
કોઈ ક્રૂર પારધી તીરે
વીંધી રુધિરભીની દીધી તોડી

એક બન્યું જ્યાં લીન ત્યાં બીજું બન્યું વિલીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

-અવિનાશ વ્યાસ

સ્વરઃ હંસા દવે
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત :ગૌરાંગ વ્યાસ

હર એક દ્વાર સ્તબ્ધ છે

Comments Off on હર એક દ્વાર સ્તબ્ધ છે

હરએક દ્વાર સ્તબ્ધ છે, હરએક ઘર છે ચૂપ,
શેરી ને ચોક આટલા કોના વગર છે ચૂપ

થડકે હવામાં છાનું છાનું કોઈ ડૂસકું
અંદર કશોક ભાર છે, ઉપર ઉપર છે ચૂપ.

ચુપકીદીમાં બધી જ ખલલ ઓગળી ગઈ,
ઘટના, અવાજ, સર્વ ક્રિયા, સૌ અસર છે ચૂપ

એવી કઈ બિહામણી ઘટના બની ગઈ?
હરએક શૈ, હરએક સૂ, હરએક નજર છે ચૂપ

પીડા બરફની જેમ થીજી ગઈ છે આસપાસ,
છાતીમાં શ્વાસની ય બધી ચડઊતર છે ચૂપ.

સાંકળ હલે, બળે છે દીવો, ખાલી માર્ગ છે;
ચાલ્યું ગયું છે કોણ કે આખું નગર છે ચૂપ.

સંકેતની લિપિમાં લખ્યો આ કયો વૃતાંત,
કોઈ ઉકેલો, એમાં કઈ કઈ ખબર છે ચૂપ.

  • રમેશ પારેખ

સ્વર :ઉદય મજમુદાર
સ્વરાંકન : ઉદય મજમુદાર

સૌજન્ય : સંજય રાઠોડ સુરત

Newer Entries

@Amit Trivedi