તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
અમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે

તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે મા
આંગણમાં રમવા ઊતરો રે
એવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

દીપમાળાના દીપ મારી આંખડી રે મા …..
આંગણમાં રમવા ઊતરો રે
મારી ચામડી ચીરીને કરું ચાખડી રે મા……
આંગણમાં રમવા ઊતરો રે

તારી તાળીનાં તેજ ચૌદલોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે
ગરવા ગરબાની ગુંજ ઊઠે ચોકમાં રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

તારા ઊંચેથી ઊંચા પધરામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે
કેમ ચડીએ અમે તો સાવ વામણા રે મા….
આંગણમાં રમવા ઊતરો રે

છેક પડવેથી આઠમની આરદા રે મા…..
આંગણમાં રમવા ઊતરો રે
મા, તું કાલી, ચામુંડા ‘ને શારદા રે મા ….
આંગણમાં રમવા ઊતરો રે

-સંજુ વાળા

સ્વર : પિયુષ દવે
સ્વરાંકન :ડો ભરત પટેલ