આ ઝાકળના ઝબકારા
Jul 04
ગીત Comments Off on આ ઝાકળના ઝબકારા
[wonderplugin_audio id=”847″]
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
આ ઇત્તો ઇત્તો હેલ્લારો
આ ચાંપપલિતો હેલ્લારો
આ સરખેસરખી કળીઓ રમતી શમણું શમણું હેલ્લારો
આ ખર્યા પાનનું ખરવું લાગે નમણું નમણું હેલ્લારો
આ સૂંડે સૂંડે હેલ્લારો
આ ઊંડે ઊંડે હેલ્લારો
કોઈ હાથ દઈને રોકો : આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
આ બૂડી જવાનો મોકો આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો
એક તારામાં કાંકરી હેલ્લારો
એક મારામાં કાંકરી હેલ્લારો
આ છાતીમાંથી કોની કાંકરી દડી પડી આ પાન વચ્ચે હેલ્લારો
આ કોની કાંકરી ઝાકળ ઝાકળ થઈ જડી મેદાન વચ્ચે હેલ્લારો
આ દડી પડ્યાનો હેલ્લારો
આ જડી પડ્યાનો હેલ્લારો
આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
-રમેશ પારેખ
સ્વરઃ બંસરી યોગેન્દ્ર અને માલતી લાંગે
સ્વરાંકન : ચીમન તપોધન
સૌજન્ય : સંજય રાઠોડ સુરત