મૈત્રી તો પળ પળમાં
Aug 19
ગીત Comments Off on મૈત્રી તો પળ પળમાં

મૈત્રી તો પળ પળમાં ઘૂંટવાની વાત ને મૈત્રી તો લાગણીનો બંધ
મૈત્રી તો તારામાં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ
તારા સહુ ઘાવ મારા કાળજામાં મ્હોરે એ સગપણને નામ તે શું દેવું
પગમાં ખૂંચે જો કોઈ કાંટો , એ પીડામાં રડતી બે આંખના જેવું
મૈત્રી તો મનખાનો મીઠો મેળાવડો ને મૈત્રી તો થાક્યાનો સ્કંધ …
મૈત્રી તો તારામાં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ ….
હોઠ તારા ફફડે ત્યાં આંખ મારી સમજે એ વણબોલ્યા શબ્દોનું રૂપ
ને સાવ રે અકારણ તું બોલતો રહે ત્યારે રહેવાનું હોય મારે ચૂપ
મૈત્રી તો દુઃખસુખમાં મહોરવાની ઘટના ને મૈત્રી અદ્વૈતનો નિબંધ …
મૈત્રી તો તારામાં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ …
~ અજીત પરમાર
સ્વર : પ્રગતિ મહેતા વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ