અમે ચાલ્યા જશું પળમાં
Aug 19
ગઝલ Comments Off on અમે ચાલ્યા જશું પળમાં

અમે ચાલ્યા જશું પળમાં પરોઢી પહોર થાવા દો
સ્વયં વિખરાશું ઝાકળમાં પરોઢી પહોર થાવા દો
પડેલા માવઠા જેવો મહેકતો શ્વાસ ઓઢી લઈ
જરા લહેરાશું વાદળમાં પરોઢી પહોર થાવા દો
થયું ભળભાંળશું ક્યાંથી તિમિરનો પ્હાડ કોરીને
પડ્યો છું એ જ અટકળમાં પરોઢી પહોર થાવા દો
પ્રથમ ખુદના જ ડૂમા નો પરિચય મેળવી લઈએ
પછી અવતરશું કાગળમાં પરોઢી પહોર થાવા દો
અમે તો એટલા ખાતર સૂરજ નું સ્વપ્ન જોવું છે
પ્રગટશે કંઈક ઝળહળમાં પરોઢી પહોર થાવા દો
-હરિહર જોશી
સ્વર : આલાપ દેસાઇ
સ્વરાંકન : ઉદયન મારુ
સૌજન્ય : ભવન્સ