આજ આ રાતને શું થયું કે અરે
એય તે દુ:ખ થઈને અહીં છાઈ રહી…
ચરણ પણ લથડતાં આ હવાનાં હવે
ને ઘટાએ કરૂણ ગીત ગાઈ રહી
આજ આ રાતને.……

અતીતનાં સ્મરણનો બોજ થઈ કારમો
વાદળાઓ ઝઝુમી રહ્યાં કયારનાં
ઠોકરો ખાઇ રહેતાં કદમ્બને પૂછો
હોય શા હરપળે અનુભવ પ્યારનાં
જીવમાં ગ્રીષ્મની જલન ને જલપ્રલય
મેઘલી રાત આજે નિચોવાઈ રહી
આજ આ રાતને…..

આ પળે આ સ્થળે ના કશુંયે સૂઝે
ઓથ અમથીય તે કોઇની ના મળે
બહાવરી બહાવરી આંખ ભમતી અને
સ્વપ્નનું શિખર આ ધૂળ થઈને ઢળે
મોત આવે નહીં ને અહીં જિંદગી
રોજની વાત વાતે વગોવાઈ રહી
આજ આ રાતને.…….

-સુરેશ દલાલ

સ્વર : હંસા દવે
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા