રાતી રાતી પારેવાની આંખડી
ઝમકારા લાલ ઝમકારા,
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

લાલ રતન પૂરવમાં વેર્યાં
સૂરખી અદ્દભૂત ઊંડી રે
આથમણી મનમોજી રંગત
છલકે ત્રાંબાકુડી રે……. ઝમકારાલાલ

નયણાં નભને ઝીલે જોડા જોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી….. રાતી

અત્તરની ફોરમ મેંદીના
અંતરમાં મતવાલી રે
લીલો રંગ લપાવી બેઠો
લાજ શરમની લાલી રે….. ઝમકારાલાલ

મનડું મેંદીનો ઝીણો છોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી.

– સ્વ. વેણીભાઈ પુરોહિત

સ્વરઃ વિભા દેસાઈ