એક કાચી સોપારીના કટ્ટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે તમે લાવજો રે મારા મોંધા મે’માન
એક કાચી સોપારીનો …

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખિતંગ કોનાં છે નામ
એક વાંકી મોજલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંધાં ગુમાન
એક કાચી સોપારીનો…

ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા
નીચી નજરુંના મળ્યા મેળ
ઊ’બરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપતી કેળ
એક અલડ આંખલડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઉઘલતી જાન
જાણજો રે તમે માણજો રે એની વાતું જુવાન
એક કાચી સેપારીનો…

-વિનોદ જોશી

સ્વરઃ વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા