એવા રે મલક હજો આપણા
ઝળહળ થિર જ્યાં પ્રકાશ
એવા રે મલક હજો આપણા
કોઈ ન રોકે ને ટોકે બંધવા
આપણે તો નિજમાં મગન
અંતર આસને બેઠો વ્હાલીડો
ચિત્તને તેની હો લગન
પળ પળ વહે તેનો શ્વાસ…એવા રે…

આપણા તે સંતરી રે આપણે
આતમને કોઈની ન આણ
એને તે ભરુંસે વ્હેતી રોજ જો
અમરતની કલકલ સરવાણ
ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ…એવા રે..

અમ્મર જયોતિ, જ્યહીં ઝળહળે
જયહીં આપણોજ વહે રે પ્રકાશ
એવા રે મલકે વાસો આપણો
આપણા અનંત ત્યાં રે નિવાસ
એવે રે પથ હો પ્રવાસ…..એવા રે……

-રવીન્દ્ર ઠાકોર

સ્વર : જનાર્દન રાવળ અને હર્ષિદા રાવળ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા