હે જી અમથા અમથા અડયાં
કે અમને રણઝણ મીણાં ચડયાં…..

જનમ જનમ કંઈ વીતી ગયા ને ચડી ઊતરી ખોળ
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો કદીએ ડોળ
અમે અમારે રહ્યા અઘોરીની કોઈને નડ્યાં…..

એક ખૂણામાં પડી રહેલાં હતાં અમે તંબૂર
ખટક અમારે હતી કોઈ ‘દિ બજવું નહીં બેસૂર
રહ્યા મૂક થઈ અબોલ મનડે છાનાં છ૫નાં રડયાં….

હવે લાખ મથીએ નવ તોયે રહે હાથ નવ હૈયાં
કરી રહ્યાં છે સતત સૂર લઈ સુંદર વર સામૈયા
જગ જગ ઝંખ્યા ‘સરોદ’ સ્વામી જોતે જેને જડયાં……

– ‘સરોદ’

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા